હો જીરે પ્રાણી જયારે તું ગિરભાસ્થાન વસંતો,
તઈયે તું હતો ગિનાનવંતો,
ઉંધે ઉંધે મસ્તક ઉપર ચરણા,
એવી એવી કસટી ભોગવંતો રે,

ધન મારૂ મારૂ તુ મ કરીશ પ્રાણિયા,
તુ મરીશ માયા મન બાંધો લોભે જીવ લાગો,
અંતકાળે સરવે ઊભા મેલી,
નિરવાણ જાઈશ તું નાગો રે
ધન મારૂ મારૂ તું.૧.

જીરે પ્રાણી કોલ દઇને તું કલજુગ માંહે આવીયો,
જીવ જાણે હું છુટો,
લોભ સવારથ કરવાને લાગો,
ને શાહજીસું ચાલિયો ખોટો રે
ધન મારૂ મારૂ તું.૨

જીરે પ્રાણી કલરે વાડીમાં ફલ કાચા ને પાકા,
સારા સઘળા લઇ વીણે,
નાના મોટાની શાહ મારો વિગત જાણે,
પણ મનગમતા ફલ વીણે રે
ધન મારૂ મારૂ તું..૩.

જીરૅ પ્રાણી હાથ ઘસે ને ધૂસાસા મેલે,
જીભલડીયે તાળા દીધા,
ઘણેરો ઘણેરો પ્રાણી રોવાને લાગો,
પણ શાહજીનેં નામ ન લીધુ રે
ધન મારૂ મારૂ તુ..૪.

જીરે પ્રાણી ધાહો પડે ને ધુસાસા મેલે,
જીવની વારે તે કોઇ નહી આવે,
સગારે કુટુંબ મલી કરી બેઠા,
પણ જીવ એકલડો જાવે રે
ધન મારૂ મારૂ તું.૫.

જીરે પ્રાણી આવિયો તું નાગો ને જઇશ તું નાગો,
પ્રાણી તું કેટલાક નાટક નાચ્યો,
ભણે પીર સદરદીન સુણો ગતિયું મોમનો,
નામ સાહેબજીકો સાચો રે
ધન મારૂ મારૂ તું.૬.

Gujarati Ginans